મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે “ભારત એક ગાથા” થીમ આધારિત ૧૪મા આંતરરાષ્ટ્રીય ફ્લાવર શૉનું ઉદ્ઘાટન કર્યું હતું. આ વર્ષનો ફ્લાવર શૉ ઐતિહાસિક બન્યો છે કારણ કે તેણે એકસાથે બે નવા ગિનિસ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યા છે. અમદાવાદે સતત ત્રીજા વર્ષે વિશ્વ વિક્રમ સર્જીને ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ વખતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું ફૂલોથી બનેલું વિશ્વનું સૌથી મોટું પોટ્રેટ અને અદભૂત ‘ફ્લાવર મંડલા’ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ કલાકૃતિઓએ મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરી દીધા છે. આગામી ૨૨ જાન્યુઆરી સુધી ચાલનારા આ શૉના પ્રથમ દિવસે જ જનમેદની ઉમટી પડી હતી. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોના પ્રવાસીઓ પણ આ નજારો જોવા આવી રહ્યા છે. છત્તીસગઢથી આવેલા મુલાકાતીઓએ ફ્લાવર શૉની ભવ્યતા અને વ્યવસ્થાના ભારોભાર વખાણ કર્યા હતા. ગીધ, ગરુડ અને સાંસ્કૃતિક વિષયવસ્તુ પર આધારિત ફૂલોની પ્રતિકૃતિઓ લોકો માટે સેલ્ફી પોઈન્ટ બની છે.