મહારાજા કૃષ્ણકુમાર સિંહના યોગદાનને બિરદાવ્યું, કાર્યાલયને કાર્યકર્તાનું બીજું ઘર ગણાવ્યું
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના જિલ્લા કાર્યાલય ભાવ કમલમ્”નું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે જિલ્લા અને મહાનગર દ્વારા આયોજિત કાર્યકર્તા અભિવાદન સમારોહને પણ સંબોધિત કર્યો હતો. શ્રી શાહે પોતાના સંબોધનમાં અખંડ ભારતના નિર્માણમાં ભાવનગરના પૂર્વ રાજા મહારાજા કૃષ્ણકુમાર સિંહના અભૂતપૂર્વ યોગદાનને યાદ કર્યું. તેમણે કહ્યું કે મહારાજાના યોગદાનને કારણે જ આજે અખંડ ભારતનું નિર્માણ શક્ય બન્યું છે. કેન્દ્રીય મંત્રીએ પક્ષના કાર્યાલયને કાર્યકર્તાનું બીજું ઘર ગણાવ્યું હતું અને આ આધુનિક કાર્યાલયના નિર્માણ બદલ ભાવનગરના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે, શ્રી શાહે ભાવનગર શહેરની સ્વચ્છતાની પણ ખૂબ પ્રશંસા કરી હતી. આ નવું કાર્યાલય પક્ષની પ્રવૃત્તિઓ માટે એક આધુનિક કેન્દ્ર તરીકે સેવા આપશે.