ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના વિનાયક વિસ્તારમાં આજે એક ગમખ્વાર બસ અકસ્માત સર્જાયો છે. ભીખિયાસૈનથી રામનગર જઈ રહેલી મુસાફરો ભરેલી બસ ખાઈમાં ખાબકતા 6 લોકોના મોત નિપજ્યા છે, જેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. SDRFના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે બસમાં અંદાજે 17 થી 18 મુસાફરો સવાર હતા. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને બચાવીને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતી અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી. સ્થાનિક તંત્ર દ્વારા રાહત કાર્ય અને અન્ય સહાયની કામગીરી પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.