ગ્લાસગોમાં 74 કોમનવેલ્થ દેશોએ અમદાવાદની પસંદગીને આપી મંજૂરી
વર્ષ 2030માં 100મી રાષ્ટ્રમંડળ (કોમનવેલ્થ) રમતોત્સવનું આયોજન કરવા માટે ગુજરાતના શહેર અમદાવાદની ઐતિહાસિક પસંદગી કરવામાં આવી છે. ગ્લાસગોમાં યોજાયેલી જનરલ એસેમ્બલીમાં 74 કોમનવેલ્થ દેશોના પ્રતિનિધિઓ દ્વારા સર્વસંમતિથી આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. આ સમાચારને પગલે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને કેન્દ્રીય રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયા સહિતના મહાનુભાવોએ આનંદ વ્યક્ત કર્યો હતો.
દેશ માટે ગર્વની ક્ષણ
રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયાએ આ નિર્ણયને વધાવતા કહ્યું કે, અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની યજમાની આપવાનો નિર્ણય સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ મોટી રમતગમત ઇવેન્ટની યજમાની મળવાને ગુજરાત માટે ગૌરવ સમાન ગણાવ્યું હતું. આ આયોજનથી રાજ્યમાં રમત-ગમત અને માળખાગત વિકાસને વેગ મળશે.
