ભારતની હાઈ-સ્પીડ રેલવેના સપનાને હવે પાંખો મળી રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે દેશની પહેલી બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027 ના રોજ પાટા પર દોડતી થશે. પ્રથમ તબક્કા હેઠળ આ ટ્રેન સુરતથી નવસારીના બિલિમોરા વચ્ચે કાર્યરત કરવામાં આવશે. દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, સુરત-બિલિમોરા વચ્ચેની શરૂઆત એ પ્રોજેક્ટનો પ્રથમ પડાવ છે. સમગ્ર બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કુલ ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યો છે. આ તમામ તબક્કાઓ પૂર્ણ થયા બાદ, અંતે મુંબઈ અને અમદાવાદ વચ્ચેની હાઈ-સ્પીડ કનેક્ટિવિટી શરૂ થશે. આ પ્રોજેક્ટથી માત્ર મુસાફરીનો સમય જ નહીં ઘટે, પરંતુ દેશમાં નવી ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો નખાશે. સુરત અને બિલિમોરા વચ્ચેનો ટ્રેક ટેસ્ટિંગ અને પ્રારંભિક મુસાફરી માટે સંપૂર્ણ સજ્જ કરવામાં આવી રહ્યો છે. રેલવે મંત્રાલય દ્વારા પ્રોજેક્ટની કામગીરી ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.