ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે વિશાખાપટ્ટનમના ડૉ. વાય.એસ. રાજશેખર રેડ્ડી સ્ટેડિયમ ખાતે શ્રીલંકા સામે પાંચ મેચની T20 શ્રેણીની બીજી મેચ રમશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. યજમાન ટીમ હાલમાં શ્રેણીમાં 1-0થી આગળ છે અને આજે જીત મેળવીને પોતાની પકડ વધુ મજબૂત કરવા ઈચ્છશે.
પ્રથમ મેચમાં ભારતનું શાનદાર પ્રદર્શન
રવિવારે રમાયેલી શ્રેણીની પ્રથમ મેચમાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. ભારતે શ્રીલંકાને 8 વિકેટે હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. ભારતીય બોલરોએ શ્રીલંકાના બેટર્સને રોકી રાખ્યા હતા, ત્યારબાદ બેટર્સની મજબૂત રમતને કારણે ભારતે આસાનીથી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.