..પણ રોમાંસ જતો નથી લાઈફમાંથી! રોમાંચના વધતા ધબકારા અને સક્રિય થતી રહેતી આડ્રેનાલિન ગ્લેન્ડ પોતાની સાથે રોમાંસને પણ લેતી આવે છે. મગજના ફરેલાઓ બધાં કેમ મસ્તીખોર પણ હોતા હોય છે?! કેમ દરેક ગુસ્સૈલ પ્રેમીઓને ગમ્મતમાંય તે પ્રિયપાત્રોના ગાલ પર ચુંટલા ભરી લેવાનું મન થતું રહેતું હશે ? ખભા પર કે બરડામાં કે કમરથી સહેજ નિચે હળવી ટપલીઓ તરત જ કેમ વજનદાર થપ્પડોમાં બદલાઈ જતી હશે ?! નખ મારી દેવા કે દાંત વડે બચકું ભરી લેવાને કયું પ્રાચિન કારણ હશે ? રોમાંસ અને રોમાંચ દમ-બ-દમ અને કદમ-બ-કદમ કદાચ એટલે જ સાથે ચાલતા હશે કે એ જ માણસની ફિતરત નક્કી કરી હશે કુદરતે! માનવનૃવંશ શાસ્ત્રમાં ક્યારેય આદીમાનવોની બે પગે ટટાર ચાલવા અને અગ્ની ની શોધ સિવાય બીજી કોઇ બાબતો સંશોધનને લાયક લાગી જ નહી હોય? જંગલી પશુઓ કે કુદરતી આફતોની સામે ઘાયલ,પરાસ્ત, લોહીલુહાણ થઈને આવેલા આદીમાનવ સ્ત્રી-પુરૂષો કદાચ પ્રેમ પણ એવા જ ખુન્નસથી કરતા હશે..અને રંગસુત્રોમાં એજ બધું પછીના હોમોસેપિયન્સને પણ આપતા ગયાં હશે.. “મીર તકી મીર” ની એક ગઝલ એ સંદર્ભમાં બહુ મહિન-સુક્ષ્મ રીતે એ રોમાંસ અને રોમાંચને સાથે કહે છે..
“નુખ્તા-એ-ખાલ સે તેરા અબ્રુ,
બૈત એક ઇન્તિખાબ કી સી હે…”
એ જંગલી સંઘર્ષ અને આદીમ લાગણીઓથી જ વિકાસ કરનારા માનવોમાં શરીર પર પડેલા ઝખ્મો એમની વિરતા, સફળતા અને ઉપલબ્ધીઓનું પ્રતિક ગણાતી હતી. જે સ્ત્રીએ બાળકને કોઇ ખુણામાં સાચવીને કોઇ મસમોટા શિકારી જાનવરને મહાત કરીને કબિલામાં પરત આવતી હશે ત્યારે, એક હાથે એણે બાળક ઉંચક્યુ હશે અને બીજા હાથે એ શિકારને ઢસડીને લાવતી હશે! ઘવાયેલું શરીર અને માતૃત્વથી છલછલ ચહેરો ! ડેડલી કોમ્બીનેશન! ઉંહકારો પણ કર્યા વગર દાક્તરી સુવિધાઓ વગર કુદરતી પ્રસવ સહ્યો હતો એ મરદને જણનારી કહેવાતી હતી, અને આજીવન એ ભડવીરે એક એ સ્ત્રી આગળ હંમેશા નતમસ્તક રહેવું પડે એ વિશેષાધિકાર પણ એ પ્રસવનો કોઇ પુરષ્કાર જ ગણાતો હશે. એ ચહેરા કદરૂપા નથી હોતા બલ્કે એ ઘાવોને એના પરાક્રમોથી સીધો સંબંધ હોતો હોય છે. પણ..જો એવા જ ઘાવ, ડાઘા કુદરત પોતે મુકી આપે તો ?! અહીંથી મીર પોતાની વાત કહે છે કે.. આંખોના ખુણે કે હાથ કે ગાલ ઉપર, હોઠોની બાજુમાં, પીઠ પર કે આખા શરીરે કુદરતે જે તલ-તીલ (નુખ્તા-એ-ખાલ) મુક્યા છે એ કોઇ ડાઘો કે કુદરતી ખામી નથી, બલ્કે એમ કરીને કુદરતે તારી પર છાપ મુકી છે કે તું..ખાસ છે, જાજ્વલ્યમાન છે (અબ્રુ), તું પસંદીદા સર્જન છે (ઇન્તિખાબ કી સી હે ) ! આ તલ એ નિશાની છે કે કુદરતે તને ખાસ બનાવી છે. તું ખાસ છે એ વાતને કુદરતે આમ જાણે કે કોઇ નિશાની મુકીને કહી છે! મીર કા અંદાઝે બયાં!!
..અને આવા રોમાંચ અને રોમાંસના હેવાયા પ્રિયપાત્રો એકબીજાના અવાજોની બધી બારીકાઇઓને ઓળખતા હોય છે! કેમકે, એમાં જ એ હસ્યાં હતાં, ઝગડ્યા હતાં, બુમો પાડી હતી અને સાવ ધીમા અવાજે કંઈક ખાનગી વાતો પણ કરી હતી. જંગલી હવાઓના સુસવાટા અને પાનાઓના ગુંજારવ અને યુધ્ધ સમયની ચિચાચીસ ને ઘાંટાબરાડાઓમાં પણ એ એકબીજાના અવાજને કોઇ નિવડેલ શિકારી જેમ જંગલના સેંકડો અવાજને અલગ તારવી લે, એમ ઓળખી જતાં હશે. પણ વાત સ્ત્રીની થઈ રહી છે અને, ભરઉંઘમાં બાળકના પડખા બદલવાના સરસરાહટ માત્રથી મિંચાયેલી આંખોએ પણ બાળકના મનોભાવો સુધ્ધાં પારખી જતી હોય અને સુતેલા પ્રિયપાત્રના ચહેરાને જોઇને જ એ જોઇ રહ્યો હોય એ સપનાનો પણ અંદાજ લગાવી લે, તો એ કોઇ નિવડેલા જંગલી શિકારીની જ અદા નથી તો શું છે ?! અને આ બધું નહી શિખેલો હું તને તો કેવો બાલિશ શિકારી લાગતો હોઇશ નહી! ( આવી સુક્ષ્મ શક્તીના હોવાથી ખાનાખરાબ થયેલો!) અને એમ જ..હજુ તો મેં માત્ર શરૂઆત જ કરી છે..અને એ તરત બોલી ઉઠે છે કે..આ અવાજ તો પેલા ખાનાખરાબ નો જ હોય એમ લાગે છે!
“મેં જો બોલા, કહા કી યે આવાઝ,
ઉસી ખાનાખરાબ કી સી હે..”
.અને એ રોમાંચ અને રોમાંસની લાઈફમાં શિકારીઓ જેવા જ તો જલસાઓ થતાં હશે ને! છીંકણીઓ જ નહી, બીડી અને ગાંજો પણ પીતી સ્ત્રીઓ મેં જોઇ છે. મારી સિગરેટમાં ભાગ પડાવનારી છોકરીઓથી લઈને, કોઇ ગામડામાં લગ્નપ્રસંગે સ્ત્રીઓને માટે અલગથી વ્હિસ્કી અને દેશી દારૂની પણ વ્યવસ્થા કરાતી જોઇ છે. એ સાડીઓ અને ઘરેણાંઓ પહેરીને શોભતી મહીલાઓ પણ લવારી કરતી હોય છે અને કોઇકોઇ ગાળોય બોલી નાંખતી હોય છે. એમનીય સાડીના પાલવ અને કપડાં પુરૂશોની જેમ જ અસ્તવ્યસ્ત થતાં હોય છે. એ રાજપુત હતી કે સરકારી ચોપડે કહેવાતી દલિત હતી કે, ચૌહાણ હતી કે માથામાં બે ચોટલા વાળતી કોઇ પટલાણી હતી, સાવ ઘેરો ઘમ્મર લાલચટ્ટક બ્લાઉઝ અને કેસરી કલરની સાડી પહેરેલી વાઘરણ હતી કે મુંબઈ-બરોડા-અમદાવાદની કોઇ કહેવાતી સવર્ણ હતી જેમને હું મારી સાથે અમસ્તાં જ આવા પ્રસંગોની મુલાકાત કરાવવા લઈ ગયો હોઊં. જે સ્ત્રીઓ હકીકતે ખેતમજુરીથી લઈને જીવનની મજુરીઓ કરી લેતી હોય છે એમને માટે ખેતરની કે ફાર્મહાઉસની સૌથી સુંદર ફુલો અને છાંયડાવાળી જગ્યાઓ અનામત રખાતી હોય છે અને એમને માટે ખુદ પુરૂશો વ્હિસ્કી અને રમ ની વ્યવસ્થા કરનારા વેઇટરની ભુમિકા અદા કરી લેતા હોય છે. આફટર ઓલ..શિકારીઓમાં લિંગ ભેદ નથી હોતો! અને પછી એ અધખુલી આંખો! અધખુલી આંખો, મદહોશીનું જ પ્રતિક નથી હોતી. એ ગુમાન અને ઘમંડનું પણ પ્રતિક છે. મુસ્તાક હોવાનો, બેફિકર હોવાનો એક ભાવ અધખુલી આંખો વડે છલકાતો હોય છે. અને શરાબ ને એક અર્થમાં ઝેર પણ કહેવાય છે. તો આગળ એમ કે…મુસ્તાક થયેલી, બેફીકર અને ગુમાની એવી એ એની અધખુલી આંખોમાંથી એનું વ્યક્તીત્વ અને ઉન્માદ (મસ્તી) દેખાઈ રહ્યું છે કે એ મને કોઇ ઝેરી ખુન્નસથી જોઇ રહી છે એ હજુય હું નક્કી નથી કરી શકતો… (કી સી હે – એના જેવું, અધ્યાહારનો ભાવ છે આમાં!)
“મીર ઉન નિમ બાઝ આંખોમેં
સારી મસ્તી શરાબ કી સી હે..”
આપેલ પંક્તિઓ મીર તકી મીર ની પ્રખ્યાત ગઝલમાંથી લીધેલી છે !
this is a verses...
