ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી અને બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષ (BNP) ના પ્રમુખ બેગમ ખાલિદા ઝિયાના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ દ્વારા તેમણે ખાલિદા ઝિયાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. શ્રી મોદીએ જણાવ્યું કે, બાંગ્લાદેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે બેગમ ખાલિદા ઝિયાએ દેશના વિકાસમાં પાયાની ભૂમિકા ભજવી હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન હંમેશા સ્મરણીય રહેશે. PM મોદીએ વર્ષ 2015માં ઢાકાની મુલાકાત દરમિયાન તેમની સાથે થયેલી સૌહાર્દપૂર્ણ મુલાકાતને પણ યાદ કરી હતી. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી કે ખાલિદા ઝિયાનો દ્રષ્ટિકોણ અને તેમનો રાજકીય વારસો આગામી સમયમાં પણ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને માર્ગદર્શન આપતો રહેશે.