ભારતમાં ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) એ તેની તેજ રફ્તાર જાળવી રાખી છે. ડિસેમ્બર 2025ના તાજેતરના આંકડાઓ મુજબ, UPI વ્યવહારોના કદમાં વાર્ષિક ધોરણે 29 ટકાનો વધારો નોંધાયો છે, જે કુલ 21.63 અબજ સુધી પહોંચ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) ના ડેટા અનુસાર, માત્ર ટ્રાન્ઝેક્શનની સંખ્યા જ નહીં પરંતુ તેનું મૂલ્ય પણ વાર્ષિક 20 ટકા વધીને અંદાજે 28 લાખ કરોડ પર પહોંચ્યું છે. નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બરમાં દૈનિક સરેરાશ ટ્રાન્ઝેક્શન મૂલ્ય 87,721 કરોડથી વધીને 90,217 કરોડ થયું છે. લોકોમાં UPI નો ક્રેઝ એટલો વધ્યો છે કે સરેરાશ દૈનિક ટ્રાન્ઝેક્શનની સંખ્યા 682 મિલિયનથી વધીને 698 મિલિયન થઈ ગઈ છે. આ ઉપરાંત, તાત્કાલિક ચુકવણી સેવા (IMPS) દ્વારા થતા વ્યવહારો પણ વાર્ષિક 10 ટકાના વધારા સાથે 6.62 લાખ કરોડ નોંધાયા છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ભારત ઝડપથી કેશલેસ ઇકોનોમી તરફ આગળ વધી રહ્યું છે.