Home Local News વાઘનું નવું ઘર: સિંહની ધરતી પર ‘ટાઈગર’નું કાયમી નિવાસ

વાઘનું નવું ઘર: સિંહની ધરતી પર ‘ટાઈગર’નું કાયમી નિવાસ

0
વાઘનું નવું ઘર: સિંહની ધરતી પર ‘ટાઈગર’નું કાયમી નિવાસ

ગુજરાત બન્યું દેશનું એકમાત્ર રાજ્ય, જ્યાં મોટી બિલાડીઓની ચારેય પ્રજાતિઓનો થયો વસવાટ

ગુજરાત, જે સિંહની ધરતી તરીકે જાણીતું છે, તે હવે વાઘનું પણ ઘર બન્યું છે. દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવન અભ્યારણ્યમાં છેલ્લા નવ મહિનાથી એક વાઘે પોતાનું કાયમી નિવાસ બનાવ્યું હોવાની સત્તાવાર જાહેરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કરી છે.વાઘ સૌપ્રથમ ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૫ના રાત્રે ૨ કલાકને ૪૦ મિનિટે વન વિભાગના કેમેરા ટ્રેપમાં કેદ થયો હતો. બીજા દિવસે પીપલગોટા રાઉન્ડ, કંજેટા રેન્જમાં મોટા પગના નિશાન મળ્યા હતા, જેની તપાસ બાદ કેમેરા ટ્રેપના ચિત્રોએ વાઘની હાજરીની પુષ્ટિ કરી હતી. શ્રી મોઢવાડિયાએ જણાવ્યું કે વાઘની હાજરી નોંધાયા પછી, વન વિભાગ દ્વારા આ વિસ્તારનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પાણીની ઉપલબ્ધતા, સુરક્ષા, આગ નિવારણ અને શિકાર પ્રાણીઓની ઉપલબ્ધતા જેવા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. વાઘ રતનમહાલ વિસ્તારમાં સ્થાયી થયા હોવાનું જણાય છે. આ ગુજરાત માટે ગૌરવશાળી ક્ષણ છે, કારણ કે હવે ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય બન્યું છે જ્યાં મોટી બિલાડીની ચારેય પ્રમુખ પ્રજાતિઓ — સિંહ, વાઘ, ચિત્તો અને દીપડો — એક સાથે જોવા મળે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના વન સંરક્ષણના કાર્યક્રમોનું આ સુખદ પરિણામ છે. ગુજરાત સરકાર નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) ના માર્ગદર્શન હેઠળ વાઘનું સુરક્ષિત અને સ્થાયી ઘર સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે.