હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં ગઈ કાલે તાજી બરફ વર્ષા થઈ છે. આના કારણે સ્થાનિકો અને પ્રવાસીઓ બંનેમાં ખુશીનો માહોલ છવાયો છે. તાજી બરફ વર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને આસપાસની ખીણોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.
હિમાચલમાં સફેદ ચાદર: રોહતાંગ પાસનું મનમોહક દ્રશ્ય
હિમાચલ પ્રદેશના આદિવાસી જિલ્લાઓ જેવા કે લાહૌલ-સ્પીતિ, કિન્નૌર અને કુલ્લુના ઊંચા વિસ્તારોમાં બરફ પડ્યો છે. લાહૌલ ખીણ અને રોહતાંગ પાસ બરફના પાતળા સ્તરમાં લપેટાઈ જતાં આકર્ષક દેખાવ રજૂ કરે છે. આદિવાસી વિસ્તારોમાં પારો શૂન્યથી બે થી સાત ડિગ્રી નીચે રહેતાં લોકોએ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો. મધ્ય અને નીચલા વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડ્યો હતો. ઉત્તરાખંડમાં પણ બદ્રીનાથના ઊંચાઈવાળા વિસ્તારોમાં વરસાદ અને બરફ પડ્યો હતો. જેના કારણે ચમોલી અને રુદ્રપ્રયાગ જિલ્લાના ભાગોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. બુધવારે પણ બદ્રીનાથમાં હળવો બરફ પડ્યો હતો. ગઈ કાલે સાંજે હળવો વરસાદ પડ્યા બાદ આસપાસની ટોચો પર ફરી હળવી બરફ વર્ષા શરૂ થઈ હતી.