ભાવનગરમાં ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન અને BSF સ્થાપના દિનની ઉજવણીમાં હાજરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યના રાજકીય અને સુરક્ષા સંબંધિત મહત્વના કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રથમ દિવસે, અમિત શાહ ભાવનગર ખાતે ગુજરાત ભાજપના પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અભિવાદન સમારંભમાં ઉપસ્થિત રહેશે. આ સાથે, તેઓ ભાવનગરના નારી ચોકડી પાસે જિલ્લા ભાજપ કાર્યાલય કમલમનું પણ ઉદ્ઘાટન કરશે. કાર્યાલયના ઉદ્ઘાટન બાદ ગૃહમંત્રી એક જાહેર સભાને સંબોધશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ ડૉ. મનસુખ માંડવીયા, નિમુબેન બાંભણિયા, તેમજ રાજ્યના મંત્રીઓ જીતુભાઈ વાઘાણી અને પરષોત્તમ સોલંકી સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહેશે. પ્રવાસના બીજા દિવસે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છની મુલાકાત લેશે, જ્યાં તેઓ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના સ્થાપના દિનની ઉજવણીમાં ભાગ લેશે. આ કાર્યક્રમ સુરક્ષા દળો પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.