પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે તાજેતરમાં સ્પષ્ટતા કરી કે અરવલ્લી પર્વતમાળા અને તેની ઇકોલોજી પર કોઈ ખતરો નથી. સરકારના જણાવ્યા મુજબ, વિવિધ સંરક્ષણ પગલાંઓ અને કડક નિરીક્ષણ દ્વારા અરવલ્લી દેશ માટે એક કુદરતી વારસો અને પર્યાવરણીય કવચ તરીકે પોતાની ભૂમિકા ભજવતી રહેશે.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના ૧૦૦ મીટરના ચુકાદાનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. તેમણે નાગરિકોને આ મામલે ફેલાતી ગેરમાર્ગે દોરતી માહિતીથી દૂર રહેવા વિનંતી કરી છે. તેમણે ખાતરી આપી હતી કે અરવલ્લીનું રક્ષણ એ સરકારની પ્રાથમિકતા છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે જ્યાં સુધી વિગતવાર ‘સસ્ટેનેબલ માઈનિંગ પ્લાન’ તૈયાર ન થાય, ત્યાં સુધી નવી ખાણકામ લીઝ મુલતવી રાખવામાં આવશે. સરકાર ઇકો-સેન્સિટિવ ઝોન (ESZ), વૃક્ષારોપણ અને શહેરી પ્રવૃત્તિઓના કડક દેખરેખ દ્વારા સંરક્ષણ અને વિકાસ વચ્ચે સંતુલન જાળવી રાખવા કટિબદ્ધ છે, જેથી ભવિષ્યની પેઢીઓ માટે આ પર્વતમાળા સુરક્ષિત રહે.