ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના શિયાળુ સત્રમાં પસાર થયેલા બે ક્રાંતિકારી વિધેયકો—’શાંતિ બિલ’ અને ‘જી રામ જી બિલ’—ને પોતાની મંજૂરી આપી દીધી છે. આ કાયદાઓ ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યમાં મહત્વપૂર્ણ સાબિત થશે. પરમાણુ ઊર્જા ઉપયોગ અને વિકાસ (શાંતિ) બિલ, ૨૦૨૫’ હેઠળ ભારતના નાગરિક પરમાણુ ક્ષેત્રના કાયદાઓને એકીકૃત કરવામાં આવ્યા છે. આ બિલ દ્વારા ૧૯૬૨ના પરમાણુ ઊર્જા અધિનિયમ અને ૨૦૧૦ના નુકસાન જવાબદારી અધિનિયમને રદ કરવામાં આવ્યા છે. હવે સરકારી લાયસન્સ હેઠળ ખાનગી કંપનીઓ અને સંયુક્ત સાહસો પણ પરમાણુ પ્લાન્ટ બનાવી શકશે અને તેનું સંચાલન કરી શકશે. આનાથી સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રમાં મોટું રોકાણ આવશે.
બીજી તરફ, ‘ગ્રામીણ વિકસિત ભારત-જી રામ જી બિલ’ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરશે. આ કાયદો દરેક ગ્રામીણ પરિવારને વર્ષમાં ૧૨૫ દિવસની વેતન રોજગારીની કાયદેસર ખાતરી આપે છે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ બિલને ગરીબ કલ્યાણ માટે ઐતિહાસિક ગણાવ્યું છે, જે ૨૦૪૭ સુધીના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને અનુરૂપ ગ્રામીણ માળખું તૈયાર કરશે.