ગુજરાત રાજ્યના સુરક્ષા તંત્રને વધુ મજબૂત બનાવવાની દિશામાં આજે એક મોટું કદમ ઉઠાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં લોકરક્ષક કેડરના 11,607 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરશે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહેશે. ગાંધીનગરના રામકથા મેદાનમાં આયોજિત આ ‘પસંદગી પત્ર એનાયત કાર્યક્રમ’ને લઈને નવનિયુક્ત ઉમેદવારો અને તેમના પરિવારોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ નિમણૂક બાદ, તમામ ઉમેદવારો ટૂંક સમયમાં રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનો અને એકમોમાં પોતાની ફરજ પર જોડાશે.