કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલે તેમના વતન અમદાવાદની મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે અને વિવિધ સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે. અમિત શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નિર્મિત 326 કરોડના ખર્ચે તૈયાર થયેલી 27.7 કિમી લાંબી વેસ્ટર્ન ટ્રંક મેઈન ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત, એસ.જી. હાઈવે પર ઇસ્કોનથી પકવાન ચાર રસ્તા સુધીના 4 કરોડના ખર્ચે તૈયાર થયેલા પાયલોટ સ્ટ્રેચ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે, જે શહેરના ટ્રાફિક અને સૌંદર્યીકરણમાં વધારો કરશે. તેઓ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આયોજિત IMA નેટકોન 2025 અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના યુવા બિઝનેસ મહાસમેલનમાં હાજરી આપી યુવાનો અને તબીબોને સંબોધિત કરશે. ગૃહમંત્રી નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ કરશે. દિવસના અંતે તેઓ મણિપુર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ ‘નમોત્સવ’ માં ખાસ ઉપસ્થિત રહેશે.