ગુજરાત રાજ્યમાં યોજાયેલી બે દિવસીય વિશેષ મતદાર શિબિરોમાં નાગરિકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યના તમામ જિલ્લાઓમાં આયોજિત આ શિબિરોમાં માત્ર બે જ દિવસમાં 96 હજારથી વધુ નવા નામ ઉમેરવા માટેના ફોર્મ સહિત કુલ 2 લાખ 96 હજારથી વધુ ફોર્મ જમા થયા છે. આ અભિયાન અંતર્ગત અંદાજે 10 લાખ લોકોએ શિબિરોની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. ચૂંટણી પંચની સૂચના મુજબ, વિશેષ સઘન સુધારણા (S.I.R.) કાર્યક્રમ હેઠળ મુસદ્દા મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. નવા મતદાર તરીકે નોંધણી, નામ કમી કરાવવા, સરનામું બદલવા કે અન્ય સુધારા માટે આ શિબિરો આશીર્વાદરૂપ સાબિત થઈ છે. વહીવટી તંત્ર દ્વારા મતદારોને સરળતા રહે તે હેતુથી ગામે-ગામ અને શહેરોમાં બૂથ સ્તરે આ વ્યવસ્થા કરવામાં આવી હતી. જે નાગરિકો હજુ પણ પોતાના નામ નોંધાવવા અથવા મતદાર યાદીમાં ફેરફાર કરવા માંગતા હોય, તેઓ માટે હજુ તક છે. સત્તાવાર યાદી મુજબ, કોઈપણ વાંધા કે દાવા રજૂ કરવાની અંતિમ તારીખ 18 જાન્યુઆરી 2026 નક્કી કરવામાં આવી છે. નાગરિકો ઓનલાઇન પોર્ટલ અથવા નજીકની કચેરીનો સંપર્ક કરી પોતાની લોકશાહીની જવાબદારી નિભાવી શકે છે.