ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ (NHAI) એ વાહનચાલકોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આગામી 1 ફેબ્રુઆરી થી નવા ફાસ્ટેગ જારી કરવા માટે કારના ‘નો યોર વ્હીકલ’ (KYV) કાર્ડની પ્રક્રિયા બંધ કરવામાં આવશે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે હાઈવે પર મુસાફરી કરતા લોકોની સુગમતા વધારવા આ જાહેરાત કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ફાસ્ટેગ એક્ટિવેશનના સમયે અને ત્યારબાદ વાહનચાલકોને થતી ટેકનિકલ મુશ્કેલીઓ અને વિલંબને દૂર કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ ફેરફારથી ફાસ્ટેગ મેળવવાની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે, જેનાથી ટોલ પ્લાઝા પર ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધુ વેગ આવશે. નવા નિયમ મુજબ, જો કોઈ ફરિયાદ ન હોય તો વર્તમાન કાર ફાસ્ટેગ ધારકોએ પણ KYV કાર્ડની જરૂર રહેશે નહીં. જોકે, મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે માત્ર ફરિયાદ ધરાવતા વિશેષ કિસ્સાઓમાં જ KYV કાર્ડ ફરજિયાત રહેશે.