ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગઈકાલે ઇતિહાસ રચ્યો છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ, ભારતે 2025 મહિલા વિશ્વ કપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ એક દિવસીય વિશ્વ કપનો ખિતાબ જીત્યો છે.
ભારતનો મજબૂત સ્કોર અને શેફાલીનો જાદુ
નવી મુંબઈના ડી.વાય. પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં, ભારતે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 298 રનનો મજબૂત સ્કોર બનાવ્યો. યુવા ઓપનર શેફાલી વર્માએ 78 બોલમાં 87 રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જ્યારે દીપ્તિ શર્માએ 58 બોલમાં 58 રનનું યોગદાન આપ્યું.
શેફાલીએ સ્મૃતિ મંધાના સાથે 106 રનની અને જેમીમા રોડ્રિગ્સ સાથે 62 રનની ભાગીદારી કરી.દક્ષિણ આફ્રિકા માટે આયાબોંગા ખાકાએ 58 રનમાં 3 વિકેટ લીધી.
બોલિંગમાં દીપ્તિનો કમાલ અને પુરસ્કાર
299 રનના લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની શરૂઆત નબળી રહી, પરંતુ કેપ્ટન લૌરા વોલ્વાર્ડે 98 બોલમાં 101 રનની શાનદાર સદી ફટકારી. જોકે, દીપ્તિ શર્માએ 5 અને શેફાલી વર્માએ 2 મહત્ત્વપૂર્ણ વિકેટો ઝડપી. આફ્રિકન ટીમ 45.3 ઓવરમાં 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ભારત 52 રનથી વિજેતા બન્યું. શેફાલી વર્માને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ જાહેર કરવામાં આવી.


