કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન
ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં ન થયો હોય તેવો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થયો છે, જેના કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં, અસરગ્રસ્ત ખેડૂતોની સ્થિતિ જાણવા માટે મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોએ જુદા-જુદા જિલ્લાઓની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરી હતી.
10 હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ
ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકારે પૂરી સંવેદના સાથે તેમની પડખે ઊભા રહેવાની ખાતરી આપી છે. ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન અને તેમની લાગણીઓને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના વિશાળ રાહત-સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. રાહત પેકેજ ઉપરાંત, રાજ્ય સરકારે ખેડૂતોની આર્થિક સુખાકારી માટે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. 9 નવેમ્બરથી, રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી શરૂ કરવા જઈ રહી છે. રાજ્ય સરકારે અન્નદાતાઓની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ રહેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.