ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂકનાર વિશ્વનો પ્રથમ દેશ બનીને એક ઐતિહાસિક પગલું ભર્યું છે. આ પ્રતિબંધમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, થ્રેડ્સ, એક્સ (X), સ્નેપચેટ, કિક, ટિકટોક, રેડિટ અને યુટ્યુબ જેવા મુખ્ય પ્લેટફોર્મ્સનો સમાવેશ થાય છે.
કાયદાનું ઉલ્લંઘન કરનારી કંપનીઓને $33 મિલિયન સુધીનો દંડ
નવા કાયદા હેઠળ, જો કોઈ સોશિયલ મીડિયા કંપની પ્રતિબંધનું ઉલ્લંઘન કરે છે, તો તેને 33 મિલિયન યુએસ ડોલર સુધીના જંગી દંડનો સામનો કરવો પડી શકે છે. જોકે, આ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ માતાપિતા કે બાળકોને દંડ કરવામાં આવશે નહીં. વડાપ્રધાન એન્થોની અલ્બેનીસે ગયા સપ્ટેમ્બરમાં જ બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયાના ઉપયોગ પર વય મર્યાદા લાગુ કરવાની જાહેરાત કરી હતી. આ કાયદો બાળકોને ડિજિટલ નુકસાનથી બચાવવા માટે દેશની પ્રતિબદ્ધતા દર્શાવે છે.