પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આયોજિત WHOના પરંપરાગત દવા પરના બીજા વૈશ્વિક શિખર સંમેલનના સમાપન સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વર્તમાન સમયમાં સંતુલન પુનઃસ્થાપિત કરવું એ માત્ર વૈશ્વિક ઉદ્દેશ્ય નથી, પરંતુ એક અત્યંત તાકીદની જરૂરિયાત છે. PM મોદીએ કહ્યું કે, યોગે સમગ્ર વિશ્વને સ્વાસ્થ્ય, સંતુલન અને સુમેળનો સાચો માર્ગ બતાવ્યો છે. તેમણે ગૌરવ સાથે ઉલ્લેખ કર્યો કે ભારતના પ્રયાસો અને ૧૭૫થી વધુ દેશોના સમર્થનથી ૨૧ જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે માન્યતા મળી છે. આજે યોગ વિશ્વના ખૂણે-ખૂણે પહોંચી ચૂક્યો છે અને કરોડો લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યો છે.
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ WHOના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ સાથે મળીને દિલ્હીમાં WHO-દક્ષિણ પૂર્વ એશિયા પ્રાદેશિક કાર્યાલયના નવા સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સંકુલ આગામી સમયમાં સ્વાસ્થ્ય સેવાઓના વિસ્તરણમાં મહત્વની ભૂમિકા ભજવશે.