નવી દિલ્હીમાં આયોજિત 38મા ઇન્ટેલિજન્સ બ્યુરો શતાબ્દી એન્ડોમેન્ટ સત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ IBના અધિકારીઓને સંબોધિત કરતા તેમના કાર્યોની ભારોભાર પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે દેશવાસીઓની સુરક્ષા અને રાષ્ટ્રની એકતા તેમજ અખંડિતતા જાળવવામાં ઇન્ટેલિજન્સ બ્યુરોની ભૂમિકા અત્યંત ઉત્કૃષ્ટ અને પાયાની છે.
આંતરિક સુરક્ષાના પડકારોનો સફળ સામનો
રાષ્ટ્રપતિએ જણાવ્યુંકે છેલ્લા એક દાયકામાં ભારતે અનેક સુરક્ષા પડકારોનો સામનો કર્યો છે. IB જેવી સુરક્ષા એજન્સીઓએ દેશની અંદર ઉભા થતા અસંખ્ય જોખમોને સમયસર ઓળખીને તેનો નાશ કર્યો છે. તેમણે IB ને ‘અદ્રશ્ય નાયકો’ ની એજન્સી ગણાવી હતી, કારણ કે આ અધિકારીઓ પ્રસિદ્ધિથી દૂર રહીને રાષ્ટ્રની સુરક્ષા માટે અવિરત કાર્ય કરે છે. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમાર અને ગૃહ સચિવ ગોવિંદ મોહન પણ હાજર રહ્યા હતા.