ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગોવા, કર્ણાટક અને ઝારખંડની ચાર દિવસીય મહત્વપૂર્ણ મુલાકાતે રવાના થશે. આ પ્રવાસ દરમિયાન તેઓ સંરક્ષણ, શિક્ષણ અને સાંસ્કૃતિક વારસાને લગતા વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે. રાષ્ટ્રપતિ આજે સાંજે ગોવા પહોંચશે. પ્રવાસના બીજા દિવસે, તેઓ કર્ણાટકના કારવાર બંદરની મુલાકાત લેશે, જ્યાં તેઓ ભારતીય નૌકાદળની સબમરીન સફર શરૂ કરી રક્ષા દળોના મનોબળમાં વધારો કરશે. સોમવારે રાષ્ટ્રપતિ ઝારખંડના જમશેદપુરમાં ‘ઓલ ચીકી લિપિ’ ના શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. સંથાલ આદિવાસી સમુદાય માટે આ લિપિ અત્યંત મહત્વની છે, કારણ કે તે તેમના સાહિત્ય અને સાંસ્કૃતિક વારસાની ઓળખ છે. ત્યારબાદ તેઓ NIT જમશેદપુરના 15મા દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે.