Home Local News મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ‘બાળસહજ’ અંદાજ: આંગણવાડીના ભૂલકાઓ સાથે માણી હળવી ક્ષણો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ‘બાળસહજ’ અંદાજ: આંગણવાડીના ભૂલકાઓ સાથે માણી હળવી ક્ષણો

0
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ‘બાળસહજ’ અંદાજ: આંગણવાડીના ભૂલકાઓ સાથે માણી હળવી ક્ષણો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આંગણવાડીના નાના ભૂલકાઓ સાથે સમય વિતાવીને એક સંવેદનશીલ નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ‘રમશે બાળક, ખીલશે બાળક’ પ્રકલ્પ અંતર્ગત તેમણે બાળકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને તેમની સાથે રમતો રમીને આનંદ વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના બાળકો માટે દર બીજા અને ચોથા શનિવારે મનોરંજન પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત સાણંદ અને દસ્ક્રોઈ તાલુકાની આંગણવાડીના બાળકો ગેમ ઝોનની મુલાકાતે આવ્યા હતા. મુખ્યમંત્રીએ આ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે પોતે હાજરી આપી હતી અને બાળકોને રમકડાંનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રીએ પ્રોટોકોલ અને હોદ્દાની ગરિમાની સાથે સાથે એક વડીલ તરીકે બાળકો સાથે વાતો કરી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમને આનંદદાયક વાતાવરણ પૂરું પાડવાનો છે. બાળકોના ચહેરા પરની સ્મિત જોઈ મુખ્યમંત્રી પણ ભાવવિભોર થયા હતા.