કચ્છના વાગડ વિસ્તારમાં આજે વહેલી સવારે કુદરતી આફતનો ગભરાટ ફેલાયો હતો. પરોઢિયે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે એક પછી એક ભૂકંપના આંચકાઓએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. પરોઢિયે સાડા ચાર કલાકે સૌથી શક્તિશાળી આંચકો અનુભવાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 નોંધાઈ હતી. આ આંચકો એટલો તીવ્ર હતો કે રાપર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો જાગી ગયા હતા. આ મુખ્ય આંચકા બાદ ઉપરાછાપરી અન્ય 8 આંચકા નોંધાતા તંત્ર પણ સતર્ક બન્યું છે. કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર પશ્ચિમ ઉત્તર દિશામાં નોંધાયું છે. વાગડ પટ્ટીમાં આવેલા રાપર અને આસપાસના ગામોમાં તેની વ્યાપક અસર જોવા મળી હતી. સદનસીબે, હજુ સુધી આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે મોટા માલહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.