મોરબીના ઐતિહાસિક શહેર વાંકાનેર ખાતે ત્રિદિવસીય ‘કામા અશ્વ શો’ (કાઠિયાવાડી મારવાડી અશ્વ પ્રદર્શન)નો પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે રંગારંગ પ્રારંભ થયો છે. વાંકાનેરના રાજવી સ્વ. ડો. દિગ્વિજયસિંહ ઝાલાની સ્મૃતિમાં આયોજિત આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા અને સાંસદ કેસરીદેવસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
અશ્વ સંવર્ધન માટે સરકારનું મિશન મોડ

પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અશ્વોના જતન અને સંવર્ધન માટે નવું બ્રીડિંગ સેન્ટર સ્થાપશે. અશ્વોની સંખ્યા વધારવા માટે સરકાર મિશન મોડ પર કામ કરશે. કાઠિયાવાડી અશ્વ તેના શૌર્ય, સતર્કતા અને સ્થિર સ્વભાવ માટે જાણીતા છે, જેના કારણે પોલીસ સેવામાં પણ તેનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે.
ઇતિહાસ અને શૌર્યની ગાથા
આ પ્રસંગે રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું કે, અશ્વ એ યોદ્ધાનો ‘આત્મસાર્થી’ છે. મહારાણા પ્રતાપ અને ઝાંસીની રાણી જેવા શૂરવીરોની ગાથાઓ અશ્વ વિના અધૂરી છે. સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ ઉમેર્યું કે, ગીરના સાવજ, ગીર ગાય અને કાઠિયાવાડી અશ્વએ સૌરાષ્ટ્રને વિશ્વભરમાં આગવી ઓળખ અપાવી છે.
આકર્ષક સ્પર્ધાઓ અને કરતબ
પ્રથમ દિવસે ૨૫૦થી વધુ અશ્વોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. રાજકોટ પોલીસ માઉન્ટના જવાનોએ અશ્વ સવારીના અદભૂત કરતબ રજૂ કર્યા હતા. શ્રેષ્ઠ અશ્વ શણગાર સ્પર્ધા અને અશ્વ વિશેના પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ આયોજન નવી પેઢીને આપણી સાંસ્કૃતિક ધરોહર અને અશ્વના મહત્વથી પરિચિત કરાવવાનો એક ઉત્તમ પ્રયાસ છે.


