અમદાવાદના શાન સમાન કાંકરિયા કાર્નિવલ-2025નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગઇકાલે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી આજે કાંકરિયા બેનમૂન પર્યટન સ્થળ બન્યું છે. કાર્નિવલની સાથે સાથે મુખ્યમંત્રીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ઔડાના 526 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું હતું.
કાર્નિવલના પ્રથમ દિવસે આકાશ ડ્રોન શોથી ઝળહળી ઉઠ્યું હતું. જેમાં ઓલિમ્પિક, અટલ બ્રિજ અને ક્લીન સિટી જેવી આકૃતિઓએ લોકોના દિલ જીતી લીધા હતા. આ ઉપરાંત કાર્નિવલ પરેડ, લોકલ ટુ ગ્લોબલ થીમ પર આધારિત પરેડ આકર્ષણનું કેન્દ્ર બની હતી. પ્રખ્યાત ગાયક કીર્તિદાન ગઢવીના ડાયરામાં જનમેદની ઝૂમી ઉઠી હતી. ટીબીમુક્ત ભારત અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદોને પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ગુજરાત શહેરી સુખાકારીમાં અગ્રેસર રહ્યું છે. આ કાર્નિવલ માત્ર ઉત્સવ નથી, પરંતુ રિક્રીએશનલ ટ્રાન્સફોર્મેશનનું જીવંત ઉદાહરણ છે. દેશભક્તિના ગીતો અને લાઈટ એન્ડ સાઉન્ડ શોએ વાતાવરણને મંત્રમુગ્ધ કરી દીધું હતું.