દુબઈમાં રમાયેલા અંડર-19 એશિયા કપની સેમીફાઈનલમાં ભારતે શ્રીલંકા સામે 8 વિકેટે ભવ્ય વિજય મેળવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે ખિતાબી મુકાબલામાં ભારતનો સામનો હરીફ પાકિસ્તાન સામે થશે.
વરસાદી વિઘ્ન અને બોલરોનો દબદબો
ભારે વરસાદને કારણે મેચ મોડી શરૂ થઈ હતી, જેને પરિણામે ઓવરો ઘટાડીને 20-20 ઓવરની કરવામાં આવી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. ભારતીય બોલરોએ ચુસ્ત બોલિંગ કરી શ્રીલંકાને નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 138/8 રન પર રોકી દીધું હતું. 139 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી. કેપ્ટન આયુષ મ્હાત્રે અને વૈભવ સૂર્યવંશી વહેલા આઉટ થઈ ગયા હતા. જોકે, ત્યારબાદ વિહાન મલ્હોત્રા (61)અને એરોન જ્યોર્જ (58)એ બાજી સંભાળી હતી. બંને વચ્ચે 114 રનની અણનમ ભાગીદારી નોંધાઈ હતી, જેના કારણે ભારતે 18મી ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. આવતીકાલે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપના ટાઈટલ માટે મહાજંગ ખેલાશે.