સમગ્ર ઉત્તર ભારત સહિત દેશના અનેક ભાગોમાં અત્યારે ગાઢ ધુમ્મસ અને શીત લહેરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. પ્રતિકૂળ હવામાનને કારણે રેલવે અને હવાઈ પરિવહન પર માઠી અસર પડી છે, જેના કારણે હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.
રેલવે વ્યવહાર પ્રભાવિત: ૨૦થી વધુ ટ્રેનો મોડી
હવામાન વિભાગની ચેતવણી વચ્ચે ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા લગભગ ૨૦ જેટલી ટ્રેનો ૪ કલાકથી વધુ મોડી ચાલી રહી છે. રેલવે સત્તાવાળાઓએ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ સ્ટેશન પર આવતા પહેલા રેલવે હેલ્પલાઇન અથવા એપ દ્વારા ટ્રેનની વર્તમાન સ્થિતિ અવશ્ય તપાસી લે.
એરલાઇન્સ દ્વારા એડવાઈઝરી જાહેર
માત્ર રેલવે જ નહીં, પણ હવાઈ સેવાઓને પણ ધુમ્મસનું ગ્રહણ લાગ્યું છે. સ્પાઇસજેટ, એર ઇન્ડિયા અને ઇન્ડિગો જેવી અગ્રણી એરલાઇન્સ દ્વારા ફ્લાઇટ્સમાં વિલંબ અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એરપોર્ટ કે સ્ટેશન જતાં પહેલાં સ્ટેટસ ચેક કરો. પ્રતિકૂળ હવામાનને કારણે મુસાફરીના સમયમાં ફેરફાર થઈ શકે છે. ગાઢ ધુમ્મસને કારણે હાઈવે પર મુસાફરી કરતા વાહનચાલકોને પણ સાવચેત રહેવા જણાવાયું છે.