પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢના નયા રાયપુરમાં એક દિવસની મુલાકાત દરમિયાન ત્રણ મહત્વના કાર્યક્રમોમાં ભાગ લીધો, જેમાં આધ્યાત્મિકતા, આરોગ્ય અને રાજકીય વારસાનો સમન્વય જોવા મળ્યો.
પ્રધાનમંત્રી મોદીએ શ્રી સત્ય સાંઈ સંજીવની હોસ્પિટલની મુલાકાત લીધી, જ્યાં “દિલ કી બાત” કાર્યક્રમ હેઠળ તેમણે જન્મજાત હૃદયરોગથી સાજા થયેલા અંદાજે ૨,૫૦૦ બાળકો સાથે સીધી વાતચીત કરી. આ બાળકોએ હોસ્પિટલમાં મફત અને સફળ સારવાર મેળવી હતી. પીએમએ દરેક બાળકને “જીવન ભેટ” પ્રમાણપત્ર આપીને તેમના નવા જીવનની શરૂઆતની ઉજવણી કરી. બાળકોની હસતી આંખો અને તેમના પરિવારની આંસુભરી આભારવિધિ વચ્ચે વાતાવરણ ભાવુક બની ગયું.
બપોરે તેમણે બ્રહ્માકુમારીઝ સંસ્થાના નવા આધ્યાત્મિક કેન્દ્ર ‘શાંતિ શિખર’નું ઉદ્ઘાટન કર્યું. આ અત્યાધુનિક કેમ્પસ ધ્યાન, શાંતિ અને આધ્યાત્મિક શિક્ષણ માટે સમર્પિત છે. પોતાના વક્તવ્યમાં પીએમએ જણાવ્યું કે રાષ્ટ્રનો વિકાસ રાજ્યોના વિકાસ વિના અધૂરો છે અને બ્રહ્માકુમારીઝ જેવી સંસ્થાઓ વિકસિત ભારતના નિર્માણમાં આધારસ્તંભ છે. તેમણે ઉમેર્યું કે આજે ભારત વિશ્વનો વિશ્વાસપાત્ર સહાયક બન્યો છે – કોઈ પણ આપત્તિમાં ભારત સૌથી પહેલા મદદ માટે આગળ આવે છે.
દિવસના અંતે પીએમએ રાયપુરમાં છત્તીસગઢ વિધાનસભાના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ ભવનના પરિસરમાં તેમણે ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પળે પીએમએ અટલજીના યોગદાનને યાદ કરતાં કહ્યું કે તેમના માર્ગદર્શન વિના આજનું ભારત અધૂરું હોત.
આધ્યાત્મ, આરોગ્ય અને રાજકારણના ત્રણેય ક્ષેત્રોને સ્પર્શતી આ મુલાકાતે છત્તીસગઢના વિકાસને નવી ગતિ આપી છે.