રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંગોલાના પાટનગર લુઆન્ડામાં રાષ્ટ્રપતિ જોઆઓ લોરેન્કો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ભવ્ય સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કરાયું હતું. બંને નેતાઓએ ભારત અને અંગોલા વચ્ચેની બહુપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત કરવાના માર્ગો પર વ્યાપક ચર્ચા કરી.
રાષ્ટ્રપતિ મુર્મુએ ભારતની કુશળતા પર પ્રકાશ પાડીને પરસ્પર વિકાસ અને સમૃદ્ધિ માટે અંગોલા સાથે નજીકથી કામ કરવાની તૈયારી દર્શાવી. તેમણે અંગોલાને ભારતની આગેવાની હેઠળની બે વૈશ્વિક પહેલ – ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ (GBA) અને ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ (IBCA)માં જોડાવા બદલ અભિનંદન આપ્યા. બંને પક્ષોએ પસંદગીના ક્ષેત્રોમાં સહયોગને ઔપચારિક બનાવવા માટે અનેક સમજૂતી કરારો (MoUs) પર હસ્તાક્ષર કરવાના છે. ઉપરાંત, હવાઈ સેવાઓ કરારને વધુ વિકસાવવાનો નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રપતિ મુર્મુએ પત્રકાર પરિષદમાં અંગોલાની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ અને આફ્રિકન યુનિયનના અધ્યક્ષપદ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
