આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી: JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને 6 લાખથી વધુનો દંડ
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજના (PMJAY) – માઁ યોજના અંતર્ગત ગેરરીતિ કરનારી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે, જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવી છે. હોસ્પિટલ પર 105 કાર્ડિયાક પ્રોસિઝરમાં ગેરરીતિ આચરવા બદલ 6 લાખથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, આ ગેરરીતિમાં સંડોવાયેલા હોસ્પિટલના તબીબ ડૉ. પાર્શ્વ વ્હોરાને પણ ફરજમોકૂફ કરવામાં આવ્યા છે. મંત્રીશ્રીએ ઉમેર્યું કે આકસ્મિક નિરીક્ષણ દરમિયાન ગાઈડલાઈનનું પાલન ન કરનારી અન્ય બે ખાનગી હોસ્પિટલને પણ દંડ કરાયો છે. બનાસકાંઠા (પાલનપુર) સદભાવના હોસ્પિટલ – ડૉક્ટર દ્વારા શસ્ત્રક્રિયા કરવા બદલ 50,000 દંડ. જૂનાગઢ: સમન્વય હોસ્પિટલ – નિયત પેકેજથી વધુ રકમનું અન્ય પેકેજ બુક કરવા બદલ 50,000 દંડ.